40 - કહું શું ચંદાને / ભાનુપ્રસાદ પંડ્યા


પછી તો કૈં ખીલી કતિપય હશે ચાંદની, સખી !
હશે લ્હેરાયાં કૈં ગવન, ચરણોએ હળુહળુ
ગલી વીંધી કીધું ગમન, કુસુમે હાથ બદલ્યા
હશે રે એકાન્તે કંઈક, ખૂલી હોશે અધૂકડી
ઘણી યે બારીઓ ! ગુસપુસની ગૂંજી ભમરીઓ
હશે કૈં હોઠેથી, પણ અવ કશી એની પરવા ?
ઘણાં યે ગંગાનાં નીર વહી ગયાં જેની વચમાં !

હતી ખીલી મારી રજની બસ, ત્યાં એક જ, શુભે !
દુપટ્ટો ચંદેરી ધરી, વિભાવ લૈ સ્વચ્છ નભનો –
સુગંધે સારાયે ઉપવનની ગૂંથ્યો – સમીરણે
અનાડી થૈ સ્કન્ધે મુજ ધરી દીધો ! – સિંધુ ઊછળ્યો
તહીં રોમે રોમે – હજી પણ ચઢે યાદ કરતાં.
કહું શું ચંદાને ? – અરવ ઊભી ! ના રાત ઊચરે !
લહેરાતો પાસે સમીર ધસી ધીમું ગણગણે !


0 comments


Leave comment