41 - એક અછાંદસ સૉનેટ / ભાનુપ્રસાદ પંડ્યા
બહારથી આવી પુસ્તકો ટેબલ પર મૂકું,
ત્યાં જ નજરે ચડે એક અકબંધ પરબીડિયું !
સૂચનને અનુસરી બાએ રાખેલું વણતોડિયું,
સરનામાંના અક્ષરવળાંકે દ્રષ્ટિ ચડે-ઊતરે
પણ પત્ર ઉપર પ્રેષકનું નામ જ ન મળે !
ટપાલીએ મારેલી ઝાંખી મ્હોરે ન ઊકલે ગામઠામ,
લખનાર જાણે અંધકારે વહેતી યમુના શ્યામ !
કેમ પરખું આછેરી ઓળખ કે મુકામ ?
ભીતરથી શંકિત-સ્પન્દિત ‘કવર’ને ખોલી રહું,
માત્ર કોરો પત્ર ! – વિસ્મયે ડોલી રહું !
મહીંથી ધધકી ઊઠી મોગરાની સુવાસ !
અક્ષર મરોડના સગડે સગડે સ્મૃતિ કરે તપાસ,
કોણ કોરે કાગળે અહીં નજરે તરે ?
સૌરભ પરિચય કોઈનો કૈંક કોતરે !
0 comments
Leave comment