42 - મારી વસંત / ભાનુપ્રસાદ પંડ્યા


કિંશુકનાં કુસુમને દ્રગ શાં અમીટ
પેખી રહે, ચુનરી કેસરીના ભરોસે !
નિર્બંધ આ સમીર દક્ષિણનો પ્રદોષે
વિશ્રંભગોષ્ઠિ તવ શી કરતો સમીપ !

ઝૂકી રહી સઘન આમ્રદ્રુમો, ઘટાળાં
એ ઘૂંઘરાળ તુજ કુંતલને સ્મરાવે !
આમોદ આ મધુર મંજરીનો સ્ફૂરાવે
વેણીસુગંધ, પરિરંભ-અલં અધુના !

લુખ્ખા અનાગતવિરાન ભમી વળેલી
દ્રષ્ટિ સુતપ્ત, અવ તો સ્મરણે અનન્ય
માણી રહે અતીત કેરી નિકુંજ રમ્ય
જ્યાં કોકિલા ટહુરવે નિજ કંઠ ખોલી !

મારી વસંત પ્રિય ! ના અહીં વર્તમાને
વેરાઈ એ તુજ અનાહત કોઈ ગાને !


0 comments


Leave comment