43 - ખર્યાં પાનમાં મધુમાસ / ભાનુપ્રસાદ પંડ્યા
પોપટના પેટ જેવું કમળનું પાન લઈ
શકુન્તલા ચીતરતી ગઈ કોઈ યાદ.
ત્યારથી આ તારી મારી જેવાની વચાળ
લીલાં પાન જેવા ખત પરે આલેખાતી વાત.
પાનખર કરે ખખડાટ એના જવાબમાં
તને મને તરુ જેમ ફૂટ્યાં કર્યાં પાન.
સીમાડાના ધૂળભર્યા માર્ગે ખોવાઈ તું
વીણ્યા કર્યાં પાછળ મેં પગલાંનાં પાન !
એકેએક પાન વાંચ્યે ઊખેળતો જાય, સખી !
આપણો એ અટવીની જેવો ઇતિહાસ.
શિશિરના વાયરામાં ઊડતી પીળાશ ન્હાય,
જોનારાને જડે તહીં સુંવાળી લીલાશ.
ખરી પડ્યાં પાન સમાં ભેળાં કરી ખત સહુ
વચ્ચે બેસું-અકાળે ત્યાં ખીલે મધુમાસ !
0 comments
Leave comment