44 - ગુણાંક મૂકવા ચૂક્યો ! / ભાનુપ્રસાદ પંડ્યા


કિશોરી પછી એક ત્યાં હસતી મંચપે આવતી,
રજૂ કરવુંગીતને, સુગમસંગીતે – ઉત્સવે !
સુહાય તનુ કાય ને નમણી નાસિકા ભાસતી
લલાટ ચડિયાતું શી ચમક લોચનેથી સ્ત્રવે !
સર્યો વિમલ ઓષ્ઠથી હૃદયતારના સ્પંદન શો
તદા સ્વર – જતો વીંધી વરસ કૈંકનો ફાસલો !
જરી નીરખતો ઝીણું દૂરથી પીઢ નિર્ણાયક
ગયો હલમલી ! અહો, સવારનું સામ્ય સંતપર્ક !

જુએ : ઝૂલતી બંસરી યુવક કોઈ કેરા કરે ?
નમી યુવતી કોઈપે મરમી હાસ્ય શું એ વહે ?
નિનાદ તહીં બંસીનો સવારની સાથ કેવો ભળે !
વિલીન બધું ? બંસીપે કંઈક છેદ કાલાંતરે !
હટી તરુણી, મંચપે અવર આવિયો સ્પર્ધક,
ગુણાંક મૂક્યો ચૂક્યો ! સજલનેત્ર નિર્ણાયક !


0 comments


Leave comment