45 - શહેરમાં કામે આવેલા વનવાસીનું સૉનેટ / ભાનુપ્રસાદ પંડ્યા
આ વાય ઉનાળુ વા વગડેથી વાજોવાજ,
ઇ મારે બરછીઘા અડતાં વેરે અંગડાં.
બેઠું ભીને વાન કોઈ નોંધારે નેહડે,
ગણતું પીપળ પાન ઇ વાવડ દ્યે વાવાડો.
એકલ ભીની આંખ કોરી નદીને કાંઠડે,
લૂમાં વાતું લાખ પરઠે, સુણી પરજળું :
‘તડકે સળગે દંન ને દીવે બળતી રાત્ય,
લાગી ઇમ અગંન વણથંભી ઓ વાલ્યમા.’
નજરે લાંબુ શે’ર પણ લાખેણાં હૈડે તમીં,
વાલાજીની મેર પગ હાલ્યે પૈસા મળે.
ગજિયાણી ગજ સાત ને કંકુની ડાબલી
ચૂડી-હાથીદાંત લેતો આવું લાજવણ !
કાંધે લીધો ભાર ખંખેરી ખેપટ સમો
ધરપત રાખો નાર આવું વરસ્ય આભલાં !
0 comments
Leave comment