83 - ૬ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
આજે બધાં શિબિરાર્થીઓને ત્રણ ગ્રુપમાં વહેંચી દીધાં. કવિતા, નવલિકા-નવલકથા અને નાટક.
નાટકગ્રુપના માર્ગદર્શક છે ડૉ.કુસુમબાલા. કોઈ પણ ક્ષણે હિરોઈનના પાત્ર માટે તૈયાર ! વેશભૂષા, શણગાર અને રીતભાત ત્રણેયમાં. પહેલી વાર લાગ્યું ગોરો રંગ હમેશાં સુંદર નથી લાગતો. લાલઘૂમ લિપ્સ્ટીક, કાનમાં બંગડી જેવડી કડીઓ; ખભા સુધી કાપેલા કાળા ભમ્મર (!) કેશ, વારંવાર ઊડતી લટને સમારતા હાથમાં રણકતી રંગબેરંગી જથ્થાબંધ બંગડીઓ, અને અમેરિકન જ્યોર્જયટ સાડીમાં મુખર એવી એમની સ્થૂળ કાયા. પણ કહેવું પડે, એક કવિતા લખાવી દીધી એમણે મારી પાસે !
‘ઉમ્રકોદાંતોં સે પકડતી હૂઈઔરતેંલડખડાતે કદમોં સેભાગ રહી હૈવક્ત કે પીછે.ઉનકે સારે બનાવ-સિંગારકોડકાર લેતી હૈઉનકી હડબડી !ઢલતી દેહ કેમુસડે હુએ કોનોમેંઔરઆંખો કે નીચે કેઅંધેરો મેંગુડીમુડી હોકરપડા હૈ બિતા સમય !કાશ કિરંગોંકી ઉનકી પ્યાસઉનકી ઇત્મીનાન કીસાંસ મેં હોતી !’
બીજા છે ડૉ.રામાશ્રય તિવારી, સબ બંદર કે વ્યાપારી. વાર્તા ને નવલકથાનું ગ્રુપ સંભાળશે. વક્તા તરીકે બહુ પોપ્યૂલર લાગ્યા. એમની પાસે કેટલાક નુસ્ખા છે પબ્લિકને પકડી રાખવાના. મોટાભાગના શિબિરાર્થીઓ એમના ગ્રુપમાં છે.
કવિતામાં, માર્ક્સવાદી કવિ ઉજાસ અગસ્ત્ય માર્ગદર્શન આપશે. સામયિકોમાં એમની કવિતા વાંચી છે. એકદમ જુદું જ વ્યક્તિત્વ, કંઈક ઊંડું પણ. ઊંચું પહોંચતું કદ, ધ્યાનાકર્ષક મંજરી મોટી આંખો, કાળી ફ્રેઈમના જાડા કાચનાં ચશ્માં, અને કવિસ્ટેમ્પ દાઢી તો ખરી જ. ફ્રિલાન્સિંગ કરે છે. બેએક કાવ્યસંગ્રહો છપાયા છે. વાંચવા માટે લાવી છું એક. ‘આક્રોશ કા અલાવ’ ફ્લેપ પર લખ્યું છે : ‘ક્રાંતિકારી કવિ ઉજાસ અગસ્ત્ય દીક્ષિત વામપંથી હૈ, ઉનકી કવિતાઓંમેં આક્રોશ હૈ પર અલાવકા, જો બડે મધ્યમ સ્વરમેં હમારી રગોંકે ભીતર પહુંચતા હૈ ઔર એક ક્ષણ આતા હૈ કિ આપ ખડે હો જાતેં હૈં શોષણ કે ખિલાફ, અપને ખૂન કો આગમેં બદલતે હુએ.’
પરંતુ કવિતા લખવી અને કવિતા શીખવવી એ બંને જુદી બાબત છે.
ગઈ કાલથી શિબિરનું ટાઈમટેબલ મળી ગયું છે. સવારે નવથી બાર સહુ પોતપોતાના ગ્રુપમાં લેખન-અભ્યાસ કરે. બપોરે ત્રણથી છ દરમિયાન વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી. અમારા ગ્રુપમાં ચાર છાત્રો છે. આજે સવારે બધાંએ પોતાની બબ્બે કવિતાઓ વાંચી. કૈલાસ સેંગરે ટિપિકલ હિન્દી કવિસમ્મેલનના તરન્નુમમાં એક સરસ ગીત ગાયું :
‘જીવન કે કાગઝ સે અનચાહે ટાંક ગઈસાંસ આલપીન હો ગઈ....’
કોઈ પણ નવોદિતની રચના વિશે બહુ સંભાળીને બોલવું પડે. નરી નકારાત્મકતા કવિનો બધો ઉત્સાહ હણી નાંખે, અને વધુ પડતા વખાણ ખોટા ભ્રમમાં નાંખે. જો કે ઉજાસ બહુ સિફતથી નબળી રચના વિશે કહેવાનું ટાળે છે.
બપોર પછી બિરવાના ગાઈડ અને સ્કૂલ ઓફ લેંગ્વેજીસના ડાયરેક્ટર ડૉ.યૂ.આર.અનંતમૂર્તિનું વ્યાખ્યાન હતું. એમણે એક બહુ સરસ વાત કરતાં કહ્યું કે ‘આજે ભારતના લેખક સામે બેવડું સંકટ છે. ભારતીય પ્રજા એક સાથે આધુનિકકાળ અને મધ્યકાળમાં જીવે છે. યુનિવર્સિટીમાં આધુનિક જ્ઞાન-વિજ્ઞાનનો અભ્યાસ કરતા યુવકને દાદીમાએ પસંદ કરેલી યુવતી સાથે પરણવું પડે છે. બીજા બધા વિકાસની સરખામણીએ આપણા સમાજનું કૌટુંબિક માળખું બહુ ધીમી ગતિએ બદલાઈ રહ્યું છે. એક સાથે બે સદીમાં (ગાડું અને વિમાન !) જીવતા યુવકનો માનસિક અને સામાજિક સંઘર્ષ આજના લેખક માટે બહુ લોભામણો અને પડકારરૂપ છે.
0 comments
Leave comment