18 - ચોમાસાનું ગીત / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


દેખ દરિયો ચઢ્યો છે આકાશમાં,
ધરતીને ધોધમાર ધાવણ ફૂટ્યું છે,
હવે ચિતરાશે રંગોળી ચાસમાં.

પાક્કી પીલુડીએથી પીલા ખરેને
એમ ખરશે આકાશમાંથી ફોરાં.
વરસાદી વાયરોય અડકી જશે ને
પછી કહેવાશો કેમ સાવ કોરાં.

ઓરડાને અંદરથી વાસી દેશો ને
તોય ભીનપ તો વર્તાશે શ્વાસમાં
દેખ દરિયો ચઢ્યો છે આકાશમાં.

ચોખ્ખું ચણાક સાવ દેખાતું આભ,
એક પળમાં તો કાળું ડીબાંગ.
ઘૂઘવતું ગાંડપણ જોઈને થાય
જાણે આભાલાએ પીધી હો ભાંગ.

ચાતકની ચાંચે તો આવ્યો ઉઘાડ,
હવે ઊડશે પતંગિયાઓ ઘાસમાં.
દેખ દરિયો ચઢ્યો છે આકાશમાં.


0 comments


Leave comment