20 - પાણી તર્યા કરે છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


મારી સભાનતાથી એ પણ ડર્યા કરે છે,
કાળી ડીબાંગ રાત મને કરગર્યા કરે છે.

સૂરજ ડૂબ્યા પછી પણ જો આગિયા સ્વરૂપે,
રાતોની આંખમાંથી તડકા ખર્યા કરે છે.

હોવાપણા વિશે હું પૂછ્યા કરું છું પ્રશ્નો,
તું વાતવાતમાં શું ઈશ્વર ધર્યા કરે છે.

થઈ ગ્યો છે મૂળમાંથી નૌકાવિહીન દરિયો,
પાણી ઉપર હવે બસ પાણી તર્યા કરે છે.

‘નારાજ’માં આ કોની શ્રદ્ધા ભરાઈ ગઈ છે,
એ પાળિયાની આગળ-પાછળ ફર્યા કરે છે.


0 comments


Leave comment