23 - ભૂખ / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આભ ફાટે એટલી કિકિયારીઓ કરતી હતી,
ભૂખ નામે એક ભોળી ગાય ભાંભરતી હતી.

ક્યાંક બુઢ્ઢી ખાટલીમાં ખાંસતી ખણતી હતી,
ક્યાંક ફાટી ગોદડીમાં હીબકાં ભરતી હતી.

જે ખળું ભેળાઈ ભાંગી સાવ ભૂક્કો થઈ ગયું,
એ ખળાની રેતમાંયે આંખ પાથરતી હતી.

આમ આખ્ખી વારતા આરંભથી તે અંત લગ,
આપણા ‘નારાજ’ સામે આંગળી ધરતી હતી.


0 comments


Leave comment