25 - આખરી ફરમાન છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


કોણ જાણે, ક્યાં સુધી, કેવું અનુસંધાન છે ?
શ્વાસ નામે વારતાનું એ જ કોરું પાન છે.

જાગવા કે ઝૂરવાની વાત અડધી મેલ તું;
જો અહીં તો ઊંઘનુંયે આગવું વેરાન છે.

સામસામે એય ઊભા લાગણીના કાફલા;
આદમીની આંખ છે કે યુદ્ધનું મેદાન છે ?

જાત સાથે જંગ ખેલ્યા બાદની હળવાશને,
એકલા જીવ્યે જવાનું આખરી ફરમાન છે.

આ તરફ ‘નારાજ’ આખ્ખું આયખું બેબાકળું,
એ તરફથી એય એની જાતથી બેધ્યાન છે.


0 comments


Leave comment