84 - ૭ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      શિબિરમાં હાજરીની નોંધ બપોરના સેશનમાં ખાસ લેવાય છે. ભરપૂર શ્રોતાઓ દેખાવા જોઈએ. બાકી સવારે તો રામરાજ્ય. આજે અમારા ગ્રુપમાં ચારમાંથી બે જ હાજર હતાં. ટાઈમ પાસ કરવા ઉજાસની ‘પતઝડ’ કવિતા સાંભળી. થોડીક પંક્તિઓ યાદ રહી ગઈ છે....
‘અપને અસબાબ કે અહેસાસ કો
ટટોલતી ચિડિયા કે લિયે
યહ બહુત બડી તસલ્લી હૈ
કિ
પતઝડ કે પાસ કુલ્હાડી નહીં....’
      આજકાલ હિન્દી કવિતામાં કેટલાક વામપંથી પ્રતીકો વારંવાર જોવા મળે છે. બંદૂક, બારૂદ, ભેડિયા, સુવર, જંગલ, પતઝડ રૂપે રોટી, ચિડિયાં, બચ્ચા, શબ્દ અને એવું બધું !

         ઉજાસમાં પણ આ જોવા મળે.
      મને ઘણી વાર લાગે છે કે જ્યારે લેખકો પોતાની રચનાપ્રક્રિયાની વાત કરે છે ત્યારે લગભગ અર્ધસત્ય જ કહે છે અને ક્યારેક અસત્ય પણ !

      આજે ઉજાસે બપોરના વ્યાખ્યાનમાં પોતાની રચનાપ્રક્રિયા વિશે કહ્યું, મને હોમરનો પ્રેરણાનો સિદ્ધાન્ત યાદ આવ્યો. અહીં ફરક માત્ર આટલો જ હતો, ત્યાં કોઈ દૈવી પ્રેરણા હતી, અહીં કાર્લ માર્ક્સના સિદ્ધાન્તો હતા. શું કાયમ કવિની લાગણી વિચારના ધક્કે જ જાગતી હશે ? ક્યારેક તો કશું અનાયાસ, અચાનક, પહેલા વરસાદ પછી ઊગતા ઘાસ જેવું ઊગી નીકળતું નહીં હોય ?


0 comments


Leave comment