5 - અવાજ ૫ / વસંત જોષી
અવાજના તોતિંગ દરવાજા
ખૂલતા નથી
અડાબીડ ઘાસમાં
કટ્ટાઈ ગયેલાં મિજાગરાં
તેલકૂંપીથી
ચસકતા નથી
કંઠની આસપાસ
અંધારું
ખાંસીથી ડોકાબારી ખૂલતી નથી
ફેફસાંની ધમણ
હાંફે
ટીપાય અવાજના કણ
આંગળી વડે
અવાજ રિવર્સ થાય
અવાવરું વાવના તળિયે
ફૂટે ચીસ
ફ્રિકવન્સી હાઈ નથી
મીટરના કાંટા સ્થિર
પાંદડાં-વેલ-છોડ-થોર-બોર
બોર થઈ જવાય
દરવાજો ખોલતા
કૂવાથંભથી પાણીમાં
વહેતો મૂકવા
જગવવી પડે
સાત કોઠાની ભૂતાવળ
પહેલાં
છાતી સમાણાં પાણીમાં
તરતો મૂકો
સિગ્નલ મળતાં
કીક મારી
ભીડને ચીરતા
મહાયજ્ઞમાં ઝંપલાવી
રૂટિન પરિપત્ર પર
છલાંગ મારી
પંચામૃત ઢોળી
તોતિંગ દરવાજે
તેલ ઊંજીને ખોલવા છે
દરવાજા
અવાજના.
૮ મે ૧૯૯૭
0 comments
Leave comment