6 - અવાજ ૬ / વસંત જોષી


અવાજ અવાજ અવાજ
તોતિંગ લાકડાની તિરાડમાં
જડબેસલાક
શેરીમાં રખડતો
કરચો ઊડે
કરવતના ખરતા વેરમાં
ચપટીમાં ચોળી
અબઘડી ડૂબાડું
ભરેલા નાળિયેરમાં
કાચલીના પાણીમાં
બૂડબૂડાતો અવાજ
ચાંચમાં ઝિલાઈને
પડઘાય નાટ્યગૃહમાં
કુછ કુછ ખખડતા
ખોબામાં પાંચ પાંચીકા
છબ્બો લઈ
આભ લગી ફંગોળતાં
ગોટંગોટા ઊડે
અવાજનો રણકો
ડીંગડોંગ અથડાય દીવાલે
ચીલો
ચિતરાય ડમ્મરિયા રસ્તે
ખીલો
વધસ્થંભે સ્થિર
કડિંગ ખટ્ટ
પંચોતેર પોઈંટ પાંચની બપોર
ટ્રેનની ઘરઘરાટીમાં
વહી જાય
ટોળું
સાચ્ચે જ
તોતિંગ લાકડાની ફાડમાં
કિચ કિચ
કિચૂડાતો
અવાજ.

૧૦ માર્ચ ૧૯૯૭


0 comments


Leave comment