86 - ૯ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      શું એ માત્ર મારી સહાનુભૂતિ જ મેળવવાનો પ્રયત્ન હશે ? ઉજાસ એવી છીછરી હરકત કરે ? કે પછી ખરેખર મને વાત કરીને એ મને એક આશ્વસ્તિ મળી હશે ?

      સવારની સેશનમાં આજે રજા રહી. ઉજાસ અસ્વસ્થ હતા. બપોરના સેશનમાં તિવારીજીએ કાળો કેર વર્તાવ્યો. એમને માત્ર એટલી જ ખબર હતી કે શ્રોતાઓ હસતાં હતાં. બાકી વિષય કી તો ઐસી કી તૈસી ! સહન ન થતાં અધવચ્ચેથી ઊઠી ગઈ....

      હોસ્ટેલ પાછાં ફરતાં થયું, લાવ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં ઉજાસની ખબર કાઢતી જઉં. જોયું તો એ બહાર ગાર્ડનમાં બેસી, મોંમાં પાઈપ સાથે મેગેઝિન વાંચતા હતા. પાસે બે ઈઝી ચેર ખાલી પડી હતી અને સામે ટેબલ પર ચ્હાની ટ્રે. નમસ્તે ! કહી પૂછ્યું :
‘કોઈ આવ્યું હતું ?’
‘નહીં, પર આનેવાલા થા.’ પછી ધીરેથી ઉમેર્યું. ‘તુમ!’
      મારા ચહેરા પરની અવઢવ જોઈ ફરી કહે :
‘અચ્છા હુઆ તુમ આયી, ચાય પીઓગી ?’
‘નાહક તકલીફ. હમણાં હોસ્ટેલ પર જઈને પીશ.’
‘હમેં કહાં બનાની હૈં ?’ કહી એમને બેરાને બોલાવ્યો. પછી કહે :
‘અચ્છા, તો તુમ હોસ્ટેલમેં રહેતી હો. અચ્છા લગતા હૈ ?’
‘ગમતું તો નથી પણ ટેવ પડી ગઈ છે. તમે ક્યારે ય ઘરથી દૂર રહ્યા છો ?’
      ક્ષણ ભર થંભીને કહે : ‘હમ તો બે-ઘર હૈ ! આઈ ડોન્ટ હેવ અ હોમ !’ એમનો અવાજ કંઈક ભારે થઈ ગયો હતો. ‘સોરી’ સિવાય શું કહું ? લગભગ પાંચેક મિનિટના મૌનને એમણે જ તોડ્યું.
   ‘ઘરવાલોંકી મરજી કે ખિલાફ શાદી કી થી. દો સાલ પહેલે પત્ની કી મૃત્યુ હો ગઈ. એક બચ્ચી હૈ, પાંચ સાલ કી. પંચગનીમેં પઢતી હૈ.’
      જેના માટે આપણા મનમાં સહેજ પણ આદર હોય. એને આશ્વાસન કેવી રીતે આપવું ? કંઈ જ બોલી ન શકી.

      ‘થેંક ગોડ ! બેરાએ ચ્હા લાવીને થીજી ગયેલા ભારેખમ સમયને સહેજ હડસેલ્યો.

      ચશ્માં ઉતારી આંખ લૂછતાં બોલ્યા :
‘છોડો યાર ! ચલો ચાય પીએં.’
      એ પછી કલાક સુધી એમની કવિતાઓ સંભળાવી. કેટલીક મારા અવાજમાં સાંભળી. છતાંય વાતાવરણ પરથી ઉદાસીનું વાદળ હટ્યું નહીં. છૂટાં પડતી વખતે શેકહેન્ડ માટે હાથ લંબાવતાં કહે,
‘શુક્રિયા. તૂમ સે મિલકર બડા સુકુન મિલા.’
      થોડી વાર પછી મને લાગ્યું કે મારો હાથ સહેજ દબાયો હતો.... કદાચ એ મારો વહેમ પણ હોય....
‘વો અક્સ બનકે મેરે ચશ્મ-એ તર મેં રહતા હૈ,
અજીબ શખ્સ હૈ પાણી કે ઘરમેં રહતા હૈ.’

      વૃંદા, તું ક્યાં છે ? પાણીના ઘરમાં ય નહીં ?


0 comments


Leave comment