65 - કેમ કરું છું આમ તને ક્યાંથી સમજાવું ? / ઉર્વીશ વસાવડા


કેમ કરું છું આમ તને ક્યાંથી સમજાવું ?
કાગળના ઘરમાં હું ચિનગારી સળગાવું.

ધસમસ થાતું વહેણ ખાળવું સંભવ છે પણ,
આંસુનું ટીપું છે આ ક્યાંથી અટકાવું ?

ભેદ બધા ચ્હેરા મ્હોરાના એ જાણે છે,
દર્પણ સામે ઊભા છો તો શું શરમાવું ?

સૌ પાસે છે એક કથા પોતાની અંગત,
કેવી રીતે મારી વાત પછી સંભળાવું ?

આજ શક્ય છે એક બુદ્ધ મારામાં જન્મે,
બાગ મહીં મેં જોયું ફૂલોનું કરમાવું.


0 comments


Leave comment