66 - એ જ સ્વર ને એ જ સરગમ આપણે ખોટા પડ્યા / ઉર્વીશ વસાવડા


એ જ સ્વર ને એ જ સરગમ આપણે ખોટા પડ્યા,
લ્યો હવે તૂટી ગયો ભ્રમ આપણે ખોટા પડ્યા.

કૈંક યુગયુગની પ્રતીક્ષા એક ક્ષણમાં વ્યર્થ ગઈ,
સ્પર્શથી વિસરાયો સંયમ આપણે ખોટા પડ્યા.

ભેદ ચ્હેરાનો છુપાવીને પ્રવેશ્યા ઘર મહીં,
આયના દેખાય ચોગમ આપણે ખોટા પડ્યા.

વેડફી નાખી ક્ષણોની આ મૂડી સમજણ વગર,
ના રહી સ્થાવર કે જંગમ આપણે ખોટા પડ્યા.

લ્યો હવે સાચો પડ્યો માળીનો વરતારો ફરી,
એ જ મઘમઘતી છે મોસમ આપણે ખોટા પડ્યા.


0 comments


Leave comment