67 - કાંઠાની માયા ત્યાગી મઝધાર જવું છે / ઉર્વીશ વસાવડા
કાંઠાની માયા ત્યાગી મઝધાર જવું છે,
હવે જવું તો ક્ષણની પેલે પાર જવું છે.
ખબર નથી ત્યાં તેજપુંજ કે ઘોર તિમિર છે,
મનની ગહન ગુફાઓમાં પળવાર જવું છે.
સાદ શિખર પરથી પાડે છે કોઈ ક્યારનું,
ગઢની રાંગો છોડીને ગિરનાર જવું છે.
માટીમાંથી ઘડો ફરી માટી થવાનું,
તોયે ચાક પર સૌએ વારંવાર જવું છે.
તાળું ચાવી ઘર સંભાળીને થાક્યો છું,
સાવ ઉઘાડાં મૂકી સઘળાં દ્વાર જવું છે.
0 comments
Leave comment