69 - આંખમાં સપનાંઓ લક્ષ્મણ જેમ બસ જાગ્યા કરે / ઉર્વીશ વસાવડા


આંખમાં સપનાંઓ લક્ષ્મણ જેમ બસ જાગ્યા કરે,
એ જ મૃગ સર્જે અને પાછળ પછી ભાગ્યા કરે.

પૂર્વજન્મો યાદ એકે પણ નથી મારા મને,
તું હિસાબો કર્મના તો પણ સદા માગ્યા કરે.

ઘાસ આ કૂણું છે મુશળધાર વર્ષા બાદનું,
એને પગલાં આપણાં પથ્થર સમું વાગ્યા કરે.

એ પ્રતિબિંબો બધાં આભાસી સર્જે છે છતાં,
સત્યનો એક જ સહોદર આયનો લાગ્યા કરે.

સાવ સૂનું ઘર છે યુગયુગથી નથી ખૂલ્યું કદી,
બારણે કોનો છતાં પગરવ મને લાગ્યા કરે.


0 comments


Leave comment