70 - મર્મ જીવનનો અમે તો કહી ઊભા / ઉર્વીશ વસાવડા


મર્મ જીવનનો અમે તો કહી ઊભા,
વસ્ત્ર મેલું ભરબજારે લઈ ઊભા.

આપણે ભૂતકાળના શબ્દો છીએ,
કોક વાંચે એ પ્રતીક્ષા લઈ ઊભા.

આ નગરના માનવી ચ્હેરા વગર,
લો અરીસાઘરની અંદર જઈ ઊભા.

કેટલું છે તાણ એ નહોતી ખબર,
નાવ તો પણ આ વમળમાં લઈ ઊભા.

જાણતા’તા કોઈ સાંભળતું નથી,
વાત મહેફિલમાં છતાં પણ કહી ઊભા.


0 comments


Leave comment