71 - એક તું છે થીજેલાં જળ લખે / ઉર્વીશ વસાવડા


એક તું છે થીજેલાં જળ લખે,
એક હું છું જે સદા ખળખળ લખે.

વાર્તા મેં ના કદી પૂરી કરી,
એજ આશામાં કે એ આગળ લખે.

ચાંદની ચૂમે છે લીલા ઘાસને,
ને પછી કિરણો વડે ઝાકળ લખે.

હું સદા ચીતરું ઉઘાડાં બારણાં,
કોક ત્યાં આવી અને સાંકળ લખે.

આ પ્રતીક્ષા છે મને કોની પ્રબળ ?
અહીં નથી મરિયમ કે જે કાગળ લખે.


0 comments


Leave comment