87 - ૧૦ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે જે અનુભવ્યું છે એ લખતાં પણ ડર લાગે છે.

      સવારે ગઈ ત્યારે કોરા વાળ છુટ્ટા રાખીને ગઈ હતી. પહોંચી ત્યારે ક્લાસમાં હું રોજની જેમ પહેલી હતી. ચોકસ્ટીક દેખાતાં બોર્ડ પર લખવા માંડ્યું... અનાયાસ.... ‘વો અક્સ બન કે મેરે....’

      ત્યાં પાછળથી તાળીઓ અને દુબારા દુબારા, એકદમ પાછળ ફરીને જોયું તો સામે ઉજાસ. સંકોચ સાથે જઈને બેસી ગઈ બેન્ચ પર. ઉજાસે મારી પાસે આવીને ઝૂકી – ધીમેથી પૂછ્યું :
‘તુમને અશોક કા પેડ દેખા હૈ ?’
     મેં ગરદન હલાવીને ના પાડી.
‘અમલતાસ કા ?’
     બારી બહાર નજર વાળતાં કહ્યું, ‘હા.’
‘તપતી દોપહર મેં રોશન ફાનૂસ કી તરહ ઝૂલતે ડોલતે લહેરાતે અમલતાસ કે ફૂલ... તુમ લોગ ગુજરાતીમેં ઉસે ક્યા કહતે હો ? ઝુમ્મર ? ઇસ શબ્દકી ધ્વનિમેં હી ઝૂમને કા અહેસાસ હૈ... હાં બસ વહી, ઈસ સમય તુમ્હારે બાલ ઠીક વૈસે લગ રહે હૈં.’
     એકદમ જડાઈ ગઈ બેન્ચ સાથે, ને શ્વાસ અધ્ધર. એક ક્ષણ તો કંઈ સૂઝ્યું નહીં. એવું તો નહીં કે આ પહેલાં ય મેં મારા વાળની પ્રશંસા સાંભળી ન હતી. પરંતુ એમનો અવાજ ! એકદમ મધ્ધિમ, ઊંડો ભર્યોભર્યો, અંદર સુધી ખળભળાવી દેતો....

     દિવસ આખો હું એમની સાથે આંખ ન મેળવી શકી.


0 comments


Leave comment