48 - આકર્ષે શ્વેત રંગિમા / ભાનુપ્રસાદ પંડ્યા


એકદા રમ્ય એકાન્તે ગૂંથેલો શ્યામ કુન્તલે
સુગંધી શ્વેતને સૂંઘ્યો આયુમાં સાથ તે રહ્યો !
ઢળેલી સાંજની વેળા છેડતી વાયુની સહી
ચમેલીગૌર તન્વંગી ઝૂકતી નીરખી હતી !
એકદા આભથી છૂટી ઉદ્યાને ઊતરી ધસી
ઊઘડી બીજ ચંદા શી મોહિની સ્મિતની જરી !
મૃદુતા જૂઈની ઝાઝી સ્પર્શમાં સારવી લઈ
સુહાગી શ્વેતની લીલા સમાઈ રજની ભરી !

ઉપેક્ષા લેશ ના સેવું મોગરા, જૂઈ-જાઈની
રુચે એ સર્વ તો યે કાં શ્વેતતા ટગરી ગમે ?
એકલાં સીમની ઊંડી વાટમાં આકનાં ફૂલો
તોડું ને દૂધની ધારા અશ્રુ શી ડૂંખથી વહે !
ધંતુરા પુષ્પનાં હાસ્યો ભરેલી પયય્યાલી શાં,
સુવાસી કે નહીં ચારુ – આકર્ષે શ્વેતરંગિમા !


0 comments


Leave comment