49 - આનંદ-દર્દ ભરી દે... / ભાનુપ્રસાદ પંડ્યા


આ કેવડાની અતિ મંદ સુગંધ મીઠી
કોઈ સુદૂર વસતા પ્રિયની સ્મૃતિ શી
વીંધે લગીર અડકે યદિ રોમને ત્યાં
ઊંડા સ્તરે કસક સોડમ થૈ વહેતી !

અ કેવડાની ગૂજગોષ્ઠિ અતીવ ઝીણી
એકાન્તમાં રજનીને પટ આળખી દે
સોહામણી સ્મરતણી લિપિમાં કવિતા
વિસ્ફારી નેત્ર પ્રહરો પઢતા રહે જે !

આ કેવડાની મૃદુ સૌરભ પ્રેરણા શી
સ્રષ્ટાની ? કે વહતી સંતની મંદ્ર વાણી ?
ભાસે ‘પરા’નું લઈ કોઈ અગમ્ય કહેણ
આવી રહી સમીપ આતમની સવારી !

હે કેવડા ! અકળ તારી લઈ સુવાસ,
આનંદ-દર્દ ભરી દે મુજ શ્વાસ-શ્વાસ !


0 comments


Leave comment