50 - પતીજ કરાવતા / ભાનુપ્રસાદ પંડ્યા


તરલતનુ તેજોના અશ્વો તમે ઝટ જોતરી
પવનરથમાં, અંકાશેથી ધરા પર સંચરી
મુજ જનપદે આવી છાના જતા સરી ગોંદરે
પળભર ભલે ના રોકાયા – છબી નજરે તરે !

વન-વન ભમી પુષ્પો કેરા ધસી જઈ બારણે
ઇજન દઈ સંગાથે લીધી સુગંધની સુંદરી
લહરીતણી નૌકા હંકારી ગયા અમ સ્ત્રોવરે
પળભર ભલે ના’વ્યા પાસે – ભર્યું ઉર સોડમે !

તિમિર સળી આંખે આંજીને અમાસની રાતની
બજવી તમરાંની બંસીને ઊભે પથથી સરી
બદરી સમી શુભ્રા સ્કન્ધેથી ઊડે સરી પામરી
પલભર કને ના’વ્યા – રાતો હજી રણકી રહી !

સમીપ ક્ષણમાં ભાસો – દૂરે જતા વળી આવતા,
સતત તમ હોવાની શ્વાસે પતીજ કરાવતા !


0 comments


Leave comment