51 - દૂરનો અવાજ / ભાનુપ્રસાદ પંડ્યા


પ્હેલાં તો આ કટિ પરથી છેડો લઈ આમતેમ
ઝૂલી રે’તા કર બકુલની ડાળકી જોઈ લ્યો ને !
મારે ખંડે ધસતી-પચરંગી ગતિ પાણિયારે
વારે વારે નીરખું, અડું-સ્પર્શાય શું તીતલી કૈં
પૂરેપૂરી કદીય ? – સહવાસિની ત્યારે તમારી
તંદ્રાઓ સૌ તરત લઈ લે ભાન મારું, તમે ત્યાં
તોષું તોયે કદી નવ છીપે પ્યાસ એવી થયેલાં !

ને વેલીને ફૂટતું ત્યમ ફૂત્યું તમોને ય કેવું
નાનું એવું કુસુમ કટિપે-બાજી પલ્ટાઈ સારી !
હાવાં પેલી ભમતી તીતલી ગૈ ઊડી ને ગૂંથેલા
માળે બેઠી સુગરી ઝૂલતી ! જોઉં ક્યારેક સામે
જીહવાગ્રે વાછરુ ચૂમતી કો’ ધેનુની ભાવભંગિ !
રાત્રે કેશે સરતી મૃદુ અંગુલિમાં કોઈ વાર
‘આવી બેટા !’ ખૂબ દૂરથી હું સાંભળું શો અવાજ ?


0 comments


Leave comment