52 - ફરી ફરી ધરું જનમો / ભાનુપ્રસાદ પંડ્યા


પ્રસવપલથી પૂર્યા પ્રાણો છવાયલ શ્વાસમાં,
જનની, તવ સીંચાયો સ્તન્યે, નર્યા મધુબિન્દુ શા
સતત ટપક્યા ગીતે પોઢ્યો, ગ્રહી તવ આંગળી
ડગ ભરી રહ્યો વ્યાપી ગૈ આ રગેરગ માવડી !

રખડુ શિશુના રૂપે ખેલ્યો ધરા ! તવ ખોળલે
તરુકર શી શાખાએ ઝૂલ્યો, વહ્યાં ઉર નેહ શાં !
સર-સરિતમાંહી અંઘોળ્યો અજાયબ સ્વાદના
અરપતી રહી થાળો – લીલા ચલી મુજ પ્રાણની.

અબુધ મુજને માએ સોડે ધરી નિજ જીવથી
અધિક ગણી ઊછેર્યો, પ્હોળી હથેળી હરીભરી
ધરી પૃથિવીએ આયુર્યાત્રા વહાવી નિરામય.
ઉભયતણી પામ્યો છું ધીંગી અહીં અમીછાંયડી.

જનની-ધરણીનાં ઋણોથી કદી નહીં મુક્ત હું
ફરી ફરી ધરું જનમો – તેથી ધૂળે અભિષિક્ત છું !


0 comments


Leave comment