53 - લખતી ગઈ... / ભાનુપ્રસાદ પંડ્યા


દિવસ કશી છુટ્ટીનો, જૂની ટપાલ-ખરી પડ્યાં
સમયતરુનાં પત્રો શી-લૈ નિકાલ કરું; ઘડી
વિરમી વચમાં જોતો હસ્તાક્ષરે રચી ઓળખ.
ત્વરિત ઊકલે એવા ચોખ્ખા જિવાયલ વર્ષની
છબિ ચીતરતા દાદાજીના; મિજાજ મરોડમાં
લઈ ઘૂંટી જરી હેતે ઘાટી લખાવટ તાતની;
તૃણ સમ ઝીણા તે સાળાના; સખે હય-આળખ્યા !
દડમજલ શી સંબંધોની થતી રહી કાગળે !

અટકું સહસા – સીધા કાના પરે જ્યહીં માતર
ઢળી જઈ દીસે માંડ્યા જાણે નર્યા બસ એકડા !
ઊભરાઈ જતા પાસેપાસે ખીચોખીચ પુષ્પ શા !
પ્રસરી જતી આછી ખુશ્બો શા રહું પઢી અક્ષર :
પ્રથમ નિજ વર્ગે આવી તે ખતે લખતી ગઈ
પછી જડી નહિ એ બ્હેનીના ! – છલોછલ આંખડી.


0 comments


Leave comment