54 - સરનામું નાનું / ભાનુપ્રસાદ પંડ્યા


ભીંસાઈને તબલચીતણી બે ય થાપી
વચ્ચેથી કો સરકતી પળ શું સર્યું વા
ખીલી ખર્યું સમીપ વૃન્તથકી પ્રસૂન ?
કે ભોરની અળસ ભેળું ઊડી ગયું ? ના,
પંથે પડ્યા સ્વજનની પીઠ જેટલુંક
દેખાઈને વર્ષ થયું અલોપ !

ને ટીપણાનો વળ ખૂલતાં જ
આવ્યો છલાંગ ભરતો દિન એક બ્હાર,
મૂઠી ભરી કંઈક રંગની આંગણાને
ઓપાવતો ચીતરતો વળી કૈં ગલીને !

ત્યાં ‘લાભ’ ‘શુભ’ વચમાં ઊભી ડેલીમાં થૈ
વસ્ત્રોતણો ઝગમગાટ પસાર, ઝીલે
ઝાઝી સલામી સ્મિત આળખેલાં !
ચ્હેરે બધે નીરખતાં સહુથીય છાનું
પેખું ગયા વરસનું સરનામું નાનું !


0 comments


Leave comment