55 - અવિરત ફરે... / ભાનુપ્રસાદ પંડ્યા


અકળ વધવું કૂણાં પર્ણોતણું અવલોકવું,
શ્રવણ કરવા છે ઝંકારો પદે પટુ કીટના !
ધરણીતલમાં પેસી ચાખું નવાં તરુમૂળિયાં
અલિપદનખે ચોંટેલું સૌ ધસું શ્વસવા મધુ !
તરલ પરશે રોમાંચોને ચહું ખગપિચ્છના,
અબુધ શિશુના હાસ્ય મ્હોર્યા વિચાર ઉકેલવા !

ક્વચિત રવિ શાં નેત્રે મારે ઝગી જગ ન્યાળવું,
હિમગિરિ ધરું લંબાવેલા કરે સુવિશાલપે !
ગહન ગરજી ઝાંખો પાડું કદી ઘનનાદને,
સમદર તરું એકી ફાળે બધું જલ વીંધવું !
જનશ્રુતિ વદે : આભે ફેંક્યા ગજોય વૃકોદરે
શબ થઈ ભમે, ખેંચી લાવું ધસી પથ વ્યોમને !

ઘડીક લઘુમાં છે સંતાવું, ઘડી બૃહદે વધી
અવિરત ફરે હૈયાકેરી અહો ! અકલા ગતિ !


0 comments


Leave comment