89 - ૧૨ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      અત્યારે રાતના બાર વાગે છે. એકદમ વિસ્મય સાથે આંખ ઊઘડી છે. સપનામાં વુમનના પાત્રમાં હતી હું.....

      કોઈ શહેરનો રસ્તો પાર કરીને એક વિશાલ ખુલ્લા મેદાનમાં આવી ઊભી છું. ચારે બાજુ પીળાં ફૂલોનો સમુદ્ર હિલ્લોળા લે છે. અચાનક મારા હાથ પહોળા થઈ જાય છે. અધધધ કહેતાં જ અધ્ધર ઊંચકાઉં છું, અને માંડું છું ઊડવા દૂર... દૂર... હવામાં હાથનાં હલેસાં મારતી; પણ ક્યાંય વાદળી આકાશ દેખાતું નથી, સિવાય કે વાસંતી આભાવાલો અવકાશ. ઊડતી ઊડતી હું લેન્ડ થાઉં છું. એ જગ્યા ‘ગ્લાઇડર્સ ક્લબ’ છે. ત્યાં બે જણ પીઠ ફેરવીને ઊભા છે. હું ઉતાવળે પૂછું છું, ‘મને ઊડતાં શીખવશો ?’ એમાંનો એક મારી તરફ ફરે છે અને પૂછે છે, ‘તારી પાસે ઊડવાનો કોશ્ચ્યુમ છે ?’ એનો ચહેરો જોતાં જ હું ચોંકી ઊઠું છું....

      ઉજાસ... અને આ રીતે મારા સપનામાં..... ?
      સમજાતું નથી મને થયું છે શું ?
      બપોરે મેસમાં આકસ્મિક રીતે ઉજાસની બાજુમાં બેઠી, પરંતુ ખુરશી પર બેસતાં જ કંઈક બની ગયું મારી ભીતર. અચાનક અનુભવાયું કે હું નરી સ્ત્રી છું.


0 comments


Leave comment