27 - આળ છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


કૈં યુગોથી સાચવેલી ઝાળ છે,
આ નદી અમથી જ ક્યાં રેતાળ છે.

છૂટવાની સ્હેજ પણ કોશિશ ન કર,
આખરે એ આપણો ભૂતકાળ છે.

કોણ જાણે કોણ ક્યાં લપસી પડે ?
શ્વાસના પ્રત્યેક પગલે ઢાળ છે.

કોઈના વિશે કહું તો શું કહું ?
ક્યાં મને મારી જ પૂરી ભાળ છે.

નામ તો ‘નારાજ’ મારી પીઠ પર,
લાગતા લાગી ગયેલી આળ છે.


0 comments


Leave comment