33 - જલ્દી ઈલાજ કરજે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ગંભીર ઘા પડ્યો છે, જલ્દી ઈલાજ કરજે,
અંધાર આભડ્યો છે, જલ્દી ઈલાજ કરજે.

પાગલ કરી શકે છે જેનો અવાજ સુધ્ધાં,
એ આદમી અડ્યો છે, જલ્દી ઈલાજ કરજે.

બીજી બધીય વાતે બક્ષી શકાય, કિન્તુ;
વ્હેવારમાં નડ્યો છે, જલ્દી ઈલાજ કરજે.

ચકલીની જેમ ચંચળ ઔષધનો આ ખજાનો,
જડતા તને જડ્યો છે, જલ્દી ઈલાજ કરજે.

પહેલા બહુ બહુ તો ‘નારાજ’ લાગતો ‘તો
પણ આજ તો રડ્યો છે, જલ્દી ઈલાજ કરજે.


0 comments


Leave comment