91 - ૧૪ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


એની આંખ્યુંમાં કોળ્યા’તા બે કસુંબલ સૂરજ
ને મારી દેઈ સોના વાટકડી.....’

      સવારે જોતાં જ ઉજાસે પૂછ્યું, કલ કહાઁ થી ?
      એટલે એણે મારી ગેરહાજરી નોંધી ! બપોરની ચ્હા વખતે એણે પોતાની પ્લેટમાંથી એક બિસ્કિટ લઈ મારી પ્લેટમાં મૂક્યું અને પછી મારી સામે આંખ માંડીને ધીમેથી કહ્યું, ‘ઇસકા મતલબ જાનતી હો ?’ કંઈક સંકોચ, કંઈક ખીજ.... ઊઠીને પૂર્વા સાથે વાતો કરવા લાગી... કદાચ બધાંની હાજરીને કારણે બહુ ગમ્યું નહીં હોય... પરંતુ આ ક્ષણે એ યાદ કરતાં.... લાગે છે જાણે કોઈ ધીરે ધીરે મારા વાળમાં આંગળીઓ પરોવતું ન હોય !

      આવતી કાલે શોપિંગની રજા છે. આજે બપોર પછી અમદાવાદ-દર્શનનો કાર્યક્રમ હતો. ઈચ્છા છતાં ન ગઈ. પરંતુ આખી સાંજ રૂમ પર પણ ચેન પડ્યું નહીં. સતત થાય દોડી જાઉં ઉજાસ પાસે ! જ્યારે એ હાજર હોય ત્યારે એની આંખ જીરવાય નહીં અને સામે ન હોય ત્યારે સતત ઝંખ્યાં કરું એને !

      વિઝિટર્સ અવર્સમાં આવતી કાલે એને હોસ્ટેલ પર બોલાવીશ.


0 comments


Leave comment