11 - તળાવ / વસંત જોષી


તરડાયેલા તળાવની ચીસ
આરપાર તોડી
ભાગી છૂટે વરસાદી ટ્રેન
કાનબૂટે રેલાતું
પરસેવાનું ટીપું
સુક્કાં ભઠ્ઠ ઢેફાંનાં
ભૂરાં ભોંયરાંમાં
દદડીને ઢીમ થઈ જાય
હેઠવાસનાં તળ
પિત્તળના રેલાની જેમ
તળિયે ઊતરે
તળાવની પાળે
લબડતી એડી
પાનની પિચકારી
કુંજની કતાર
તરસ્યાં કપોત
ખાલીખમ્મ બેડું
નાગાં બાળકો
ભટક્યાં કરે ભીડમાં
તળાવ
બરફીનાં ચોસલાં
સૂમસામ
માછલીની પીઠ પર તરતા ગરબા
પાવડીના પરપોટા
ફૂટે કાંકરીચાળે
તરડાયેલું
બરડ
પાછલી રાતના ઠંડા પવનમાં
ભેજના કોગળા કરતું
તળાવ.

૮ મે ૧૯૯૫


0 comments


Leave comment