12 - પંજો કચ્છ / વસંત જોષી
જાણું છું આ માટીને
નથી કરાળ
નથી રેતાળ
મુઠ્ઠીમાંથી સમય સરે
તેટલી ધીમી ગતિ
તેની મહેકવાની
શાંત મંથર
તિરાડો પડતી નથી દુષ્કાળગ્રસ્ત ચ્હેરા પર
લથબથ દેહ
નીતરે બાવળની આડમાં
સળવળતું રહે
ભીનું હાસ્ય
ઓળખું છું
આ માટીને
નથી કસદાર
કદાવર કાયા
પાણીદાર આંખ પાછળ
મલકે રાત
ઠંડી ગુલાબી.
આંગલાથી ખોતારાય નહીં બારીક પડ
પોત પાતળું નથી તિરાડોનું
રણ અને દરિયો
મુઠ્ઠીભર મોજાં
સૂંઘતાં સીધી જ
ઊતરી જાય
આ માટી
સ્પર્શતા ભીતર સરકે
તળિયે મોતી.
ચાખી છે
આ માટી
સળગી ઊઠતી આગમાં
ભૂખ શેકીને ખાધી છે
ખિલખિલાટ હાસ્ય સાથે.
રણઝણી ઊઠે છે
આ માટી
ક્યારેકના વરસાદથી
તો
ક્યારેક
મારા સ્પર્શથી.
મે ૧૯૯૫
0 comments
Leave comment