13 - પાંજો વતન / વસંત જોષી
જનની જન્મભૂમિ
મારા દેહના બંધારણમાં
મારાં રૂંવે રૂંવે
વ્યાપ્ત
આ માટી
અજાણી નથી
ન્હોતી પહેલાં
ઉદરમાં શ્વસી અવતર્યો અંકમાં
સ્મૃતિના પેટાળનો
ધગધગતો લાવા
ધસી આવશે
ફુરચા ઊડશે
તે હું જાણું છું
આ માટી
ધોમધખતી
રાખોડી પોપડી
સાચવી રાખે
પગલાંની છાપ
પથ્થરો તળે ધરબાય
બહાર આવે
મંદિરઆકારે
પૂજાય તું
હે વસુંધરા
વન્દું !
સવાર-સાંજ
નતમસ્તકે
ઢોળાવ પરથી દદડી જતાં
સૂરજનાં કિરણમાં
ઢબૂરું જાતને
દયિતા, માતા
પંચત્વધારિત્રી
ધરાતલે પામું વારંવાર
પ્રત્યેક રાત્રિ
અંધકારના ઓળામાં
સ્પર્શ-સ્પંદિત
વરસાદી
વારંવાર
ફોરાંહિત આંગળીઓ
ખાલી હાથ
પસવારું; રાખોડી તને
અસ્તિત્વનો અંશ ધરું તારા ખોળે
તું માગે
આંખમાં સંતોષ
સર્વ આપું
તું ક્યાં અજાણી
જાણું છું
નથી કરાળ
નથી રેતાળ.
૨૯ ઓક્ટોબર ૧૯૯૩
0 comments
Leave comment