49 - કાવ્ય – ૫ / હરિશ્ચંદ્ર ભટ્ટ


માર્યા વિચારે: પતિને ઉગારવો
આ દેહથી દેવ જુએ ન એ વિધે –
હું ચુંબને હોઠ બીડી દઉં, અને
કાનોય હાથોથી હું ઢાંકી એ દઉં.

ચોકી કરું શ્વાન થઇ હું બારણે
અનિંદ્ર હું રક્ષક દુઃખી પત્ની હું.
મુઠ્ઠી ભરું ક્રોધથી ઈશ સામે,
ઘંટા રવે જે પ્રિયને નિમંત્રતો.

એને નહીં હું પગ મૂકવા દઉં,
ને : હાથના બંધ થકી હું બાંધુ;
દાબી દઉં, ભોંય શું યે જડી દઉં
અદમ્ય ને ઉત્કટ પ્રેમના બળે.

એને ગમે જો લઢવું, લઢી લઉં,
ભાંગે ભલે દેહ, ન હું રડું જરી;
દ્વારો ન ખોલું ઘરનાં હું મારા
નિષ્ઠુર ને ક્રૂર એ દેવ માટે.

અહીં જ મારું સુખ, હક્ક મારા,
મારું જ છે આ ઘર હું જ રક્ષક.
માર્યા વિચારે : પતિને ઉગારવો
આ દેહથી દેવ જુએ ન એ વિધે.


0 comments


Leave comment