14 - તને – ૧ / વસંત જોષી
‘કહેને, શાને વિષે કર્યો તેં પ્રેમ’ ?
દુષ્કાળગ્રસ્ત ચ્હેરાની
ખરબચડી ત્વચા પર
અંકાતી ટેરવાંની છાપ
વરસાદી સાંજ રણઝણતી નથી
માટી ખોદયા હાથમાં
પેપરવેઈટની તગતગતી
નિહારિકા ભીંસાય
ડંખ હથેળીમાં
ચીમળાય બોરસલ્લીનાં પાન
ઘણ પછાડી
પેટાવી શકાતો નથી
પરિશ્રમ વડે અગ્નિ
મલાઈનાં થર વચ્ચે
ગૂંચવાય જામણ
રચાય
મુલાયમ
કૂણીં ટોચ કાઢતી
આડશે તીર
ફણા પર કાળું પક્ષી
બેસે
નરી ભ્રમણા પાછળ
પ્રશ્નખચિત આકાશ
ધુમ્મસિયાં વાદળ
તારા મંડળનાં ઝૂમખાં
પૂરી શક્યું છે કોણ તારી સેંથીમાં ?
કોઈ સ્વીકારતું નથી
સોસાયટીનો સૂમસામ વળાંક
વળાંક પારના રસ્તે
બોરસલ્લીનાં ફૂલ જેવું
હસવાની તારી ટેવ
જવામાં વિસ્તરે
અનિમેષ તાકતી
નિર્દોષ આંખ વડે
ખુલ્લી હથેળી
ચૂમી લઈ
આલિંગન આપી
પરિતૃપ્ત !
કહે
શાને વિષે કર્યો
તેં મને પ્રેમ ?
૨ ડિસેમ્બર ૧૯૯૧
0 comments
Leave comment