92 - ૧૫ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


સવાર :
‘કિતની લંબી હોતી હૈ રાત
એક અકેલી સિસકી કી....’
     શું અજ્ઞેયે મારા માટે જ આ પંક્તિ લખી હશે ?

રાત્રે :
‘મારો વર !’
      સાચે જ પ્રેમ માણસને બોલ્ડ બનાવી દે છે.
      સાંજે ઉજાસ હોસ્ટેલ પર આવ્યો. આજે પહેલી વાર લાગ્યું; જાણે મારી સામે દર્પણ નહીં ઉજાસની આંખો છે. છુટ્ટા વાળ અને એ જ પ્રિય સાડી-પેરટ ગ્રીન બેકગ્રાઉન્ડ અને ડિપ યલો બોર્ડર. રૂમનું બારણું બંધ કરતાં કાનમાં ગુંજી ઊઠ્યું વૃંદાનું વાક્ય, ‘તું લગ્ન કર, તને આવું જ રાઈનું ખેતર આપીશ...’ એક પળ થંભી ગઈ. દાદરો ઊતરતાં કાળી સામે મળી. મને જોઈને કહે, ‘આહા ! મીરાંબહેનનો વટ પડે છે !’

      દોડતાં દાદરો ઊતરી ગેસ્ટહાઉસમાં ગઈ. તો ઉજાસ ક્યાંય નહીં. ક્યાં હશે ? ત્યાં ચોકીદારે દૂરથી બૂમ મારી. જોયું તો ગેઈટ સામે ગુલમહોરના ઝાડ નીચે એ અદબવાળીને ઊભો હતો.
મેં ચ્હા-નાસ્તા માટે કહ્યું તો કહે કે, ‘કહીં બહાર ચલતેં હૈં !’
‘ક્યાં જઈશું ?’
‘જહાં તુમ લે ચલો...’
      ઉજાસના કહેતાની સાથે જાણે મારું મગજ એકદમ ખાલી. એક પણ જગ્યા યાદ આવતી નહોતી. છેવટે યુનિવર્સિટીની ‘આદર્શ’ હોટલ યાદ આવી. જઈને ફેમિલી રૂમમાં જોયું તો માંડ બે માણસ બેસે એવડી કેબિન ! દરવાજાને નામે ગંદો પરદો. એ કેબિન હું સાત જનમમાં નહીં ભૂલું.... ઉજાસ શું ધારશે ? પરંતુ એ તો નિશ્ચિંત બેસી ગયો હતો. સામે તો સીટ હતી નહીં. બાજુમાં બેસતાં એકદમ વિતૃષ્ણા થઈ આવી મારા પર. હું ઉજાસનું સાન્નિધ્ય ઈચ્છતી હતી, પરંતુ આવા ગંદા વાતાવરણમાં નહીં.

      કોફી અને સેન્ડવીચ આવતાં સુધી કોઈ કાંઈ ન બોલ્યું. કોફીનો ઘૂંટ લેતાં ઉજાસે પૂછ્યું :
  ‘ ક્યોં, જી ઠીક નહીં ?’ હું કંઈ બોલી નહીં. મારા ગળે ડૂમો ભરાઈ ગયો હતો.
  ‘ક્યા હો રહા હૈ ?’ એણે ફરી પૂછ્યું.
  ‘રડવાનું મન...’ મારા મોંમાંથી અનાયાસ નીકળી ગયું.
  ‘ક્યોં ?’
  ‘આખી રાત ઊંઘ નથી આવી.’ મેં કહ્યું.
  ‘મેરી વજહ સે ?’
  ‘હા.’
  ‘ક્યોં ?’ કહેતાં એણે મારા ખભે હાથ વીંટાળ્યો.
  ‘કેમ કે... હું તમને ચાહું છું...’ મેં કોફીનો મગ બે હાથે સખત પકડતાં કહ્યું.
  ‘હંઅ...’
      એની તર્જની મારા કાનનાં ઝુમ્મર ડોલાવતી રહી. મેં એને સ્પષ્ટ કહી દીધું, મને ખબર નથી, તમે ખરેખર મારા વિશે શું ધારો છો.... એટલું જ નહીં તમે સંપૂર્ણપણે મુક્ત છો, ચાહવા કે ન ચાહવાને.... બાકી મેં તો નક્કી કરી જ લીધું છે.... કોઈને દિલ ખોલીને ચાહવા સિવાય માણસના હાથમાં બીજું શું હોઈ શકે ?

      હું બોલ્યે જાત, પણ ત્યાં જ એણે મારા ખભા પર માથું મૂક્યું, ને એક આંચકા સાથે હું કોફી અધૂરી મૂકીને ઊભી થઈ ગઈ. રોડ પર આવતાં મેં મુક્તિનો શ્વાસ લીધો. જોયું તો ઉજાસ એકદમ જ ચૂપ. એનો હાથ પકડતાં મેં કહ્યું, ‘પ્લીઝ ! તમે ગેરસમજ ન કરશો. જો પ્રેમ હોય તો હું લગ્ન સિવાયના સેક્સને પણ ખરાબ નથી માનતી. પરંતુ કોણ જાણે ગંદી હોટલમાં મને લાગતું હતું કે હું કંઈક ખરાબ કામ કરું છું.’

      પાછા ફરતાં સાંજ ઢળી ગઈ હતી. રસ્તામાં મને ઉજાસ કહે, ‘તુમને કભી દક્ષિણ ભારત કે મંદિર દેખેં હૈં ?’
‘ના’ કહેતાં મેં એની સામે જોયું. એને મારા સ્તન પર આંખ ઠેરવતો જોઈ મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં.

      એ આગળ બોલ્યો, ‘હલેબીડ કી મદનિકા જૈસે તુમ્હારે સ્તન હૈં, ઇન્હેં દેખતે હી....’ આટલું કહેતાં એણે મારો ખભો જોરથી દબાવ્યો. મને થયું મારો હાથ મૂળમાંથી છૂટો તો નહીં થઈ જાય ? ત્યાં જ અટીરા પાસે અંધારામાં કોઈક સ્ત્રીના હસવાનો અવાજ આવ્યો.
  ઉજાસ કહે, ‘તુમ હસી ?’
  ‘ના, અમારી યુનિવર્સિટીની પ્રણયવીથિકા !’

  મને નજીક ખેંચતાં કહે, ‘ચલો મેરે ડેરે પર.’
  ‘સોમનાથથી આવ્યા પછી....’
  ‘પ્રોમિસ ?’
  એનો હાથ ચૂમતાં મેં કહ્યું, ‘પ્રોમિસ !’ અને દોડી ગઈ હોસ્ટેલના ગેઈટ તરફ. ચોકીદારે પૂછ્યું, ‘બહેન કોણ હતું ?’
  ‘મારો વર !’


0 comments


Leave comment