73 - શહેરમાં અફવાનું એવું જોર છે / ઉર્વીશ વસાવડા


શહેરમાં અફવાનું એવું જોર છે,
શાહી શબ્દોની ખરેખર ચોર છે.

ગ્હેકશે એ વ્યર્થ આશા રાખ મા,
ટોડલે તો ચીતરેલા મોર છે.

તું પીડાની વાદળીને જોઈ લે,
ક્યાંક એને પણ રૂપેરી કોર છે.

કાં ગઝલ છેડી પ્રણયની તેં હવે,
શ્વાસની મહેફિલનો છેલ્લો દોર છે.

આવશે ઇશ્વર કદી મુજ આંગણે,
એ પ્રતીક્ષા છે ને એંઠા બોર છે.


0 comments


Leave comment