74 - શ્વાસના અર્થો હવાને પૂછશું / ઉર્વીશ વસાવડા
શ્વાસના અર્થો હવાને પૂછશું,
શું તરસ છે ઝાંઝવાને પૂછશું.
કેમ ઓછું એક તુલસીદળ પડ્યું,
શક્યતાઓ ત્રાજવાને પૂછશું.
લ્યો થઈ પૂરી સફર મંઝિલ વિના,
શું થયું એ કારવાંને પૂછશું.
દ્રષ્ટિના ભ્રમ છેતરે છે કઈ રીતે,
એ હકીકત નેજવાંને પૂછશું.
લાગણીહીન થઈ જશે જયારે ત્વચા,
શું થશે એ ટેરવાંને પૂછશું.
0 comments
Leave comment