75 - છે તણખલાં આ ફક્ત માળો નથી / ઉર્વીશ વસાવડા


છે તણખલાં આ ફક્ત માળો નથી,
જિંદગી એ ક્ષણનો સરવાળો નથી.

મેં જ આ સર્જી છે મારી દુર્દશા,
કોઈનો એમાં કશો ફાળો નથી.

સાવ સીધું એ ઊગે આકાશમાં,
આ સમયના વૃક્ષને ડાળો નથી.

વિશ્વ આખું નૃત્ય છે નટરાજનું,
એ સમો કો અન્ય તરગાળો નથી.

વેદના ધરબી છે મારા વક્ષમાં,
છું ઈશુ પણ તાજ કાંટાળો નથી.


0 comments


Leave comment