77 - તને જે ગમે અર્થ તું એમ કર / ઉર્વીશ વસાવડા


તને જે ગમે અર્થ તું એમ કર,
હથેળી નથી હસ્તરેખાનું ઘર.

નથી લેતું નિર્ણય સ્વયં જળ કદી,
એ તારી છે મરજી ડૂબી જા કે તર.

છે અત્તરના સોદાગરો એ બધા,
નથી જેમને ફૂલ શું છે ખબર.

કોઈ અન્યથી દૂર થાશે નહીં,
એ તારું તિમિર છે ને તું દીવો ધર.

અનુભવ નથી કોઈને એનો અહીં,
છતાં હોય છે સૌને મૃત્યુનો ડર.


0 comments


Leave comment