93 - ૧૮ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


    સોળ – સત્તર બે દિવસ ક્યાં વીતી ગયા, ખબર ન પડી. જ્યારે અમદાવાદમાં બસ પ્રવેશી ત્યારે લાગ્યું કે આ ધરતી પર પહેલી જ વાર પગ મૂકું છું. શું પ્રિયના સહવાસમાં જાણીતાં દૃશ્યો આટલી હદે અજાણ્યાં બની જાય ? અને અજાણ્યાં નિતાન્ત આત્મીય ! કોલેજો ખૂલતાં હોસ્ટેલ પણ રંગબેરંગી કલરવથી ગુંજતી હતી, કે પછી મારા જ મનનું પ્રતિબિંબ !

    હું ઉજાસ અને તિવારીજી સોમનાથથી જ પાછાં ફરી ગયાં. બાકીનાં દ્વારિકા થઈને આવશે.

    સોમનાથ પહેલી જ વાર જોયું, પણ લાગે છે અનેકવાર જોયું છે મેં, એની એકએક મુદ્રા મારી ચિરપરિચિત છે....

    બસસ્ટેન્ડથી મંદિર તરફ જતો પહોળો રસ્તો, રસ્તાની બંને બાજુ દુકાનો, ગેસ્ટહાઉસ અને સામે આકાશ સાહીને ઊભેલું મંદિરનું મકર તોરણ, દ્વારની પડછે ડોકાતું શિખર. પ્રવેશતાં જ પકડી લે તમને મંદિરને અઢેલીને સૂતેલાં આસમાની જળ ! મંદિરના પ્રાંગણની ડાબી બાજુ, ગેસ્ટહાઉસની બારીઓ પર દસ્તક દેતો સમુદ્રનો ઘૂઘવાટ, મંદિર ફરતે બાંધેલો ચોક, ચોકથી સમુદ્ર તરફ લઈ જતાં પગથિયાં, કિનારા પર બાહુ ફેલાવીને બોલાવતાં મોજાં..... જો હું ચિત્રકાર હોત તો.... પરંતુ ના બધું જ આળેખાઈ ગયું છે મારી ભીતર.....

    જતી વખતે રસ્તામાં બહુ મજા આવી, ખાસ તો ઉજાસને ખિજવવાની.

    સોળમીએ સવારમાં સાડા છએ હાથમાં અમલતાસનાં ફૂલ લઈને પહોંચી ગઈ ગેસ્ટહાઉસ પર. ઉજાસ પણ તૈયાર થઈ લોન્જમાં મારી રાહ જોતો હતો. મેં ‘ગુડ મોર્નિંગ’ કહી ફૂલ આપ્યાં. જવાબમાં કહે, ‘ઇસ બાસંતી સુબહ કે લિયે ધન્યવાદ !’ તુમને યે કવિતા પઢી હૈ ?’
‘ફાગુન માસે અમલતાસ સમ ઊઘડે નીલ અકાસ...’ કહેતાં એણે કવિ નરેશ મહેતાને યાદ કર્યા.
    સોમનાથની બસ પોણા આઠની હતી. રોડ પર આવ્યાં ત્યારે જોયું તો એક પણ રિક્ષા નહીં. યુનિવર્સિટી સુધી ચાલ્યાં. રસ્તામાં અચાનક ઉજાસે રોલવાલા કોમ્પ્યુટર સેન્ટર પાસે એક પથ્થરના બાંકડા પર બધાં ફૂલ મૂકી દીધાં. પછી મને કહે, ‘ઉન સબકે નામ.... જો પ્યાર કરતેં હૈં.’

    યુનિવર્સિટી પહોંચ્યાં ને લકીલી સુડતાલીશ નંબર મળી ગઈ. મારી બાજુમાં બેસતાં કહે – ‘સફરમેં પાસ બૈઠોગી ન.... ! તુમ્હારા ક્યા ઠિકાના, દૂસરોં કી ઉપસ્થિતિમેં કુછ ઔર હી હો જાતી હો !’

    અને મેં મનોમન નક્કી કરી લીધું, નહીં જ બેસું ! આમે ય મારો ચહેરો બહુ બોલકો છે, અને ઉજાસ પાસે હોય તો....

    સ્ટેન્ડ પર પહોંચતાં જ ડૉ.કુસુમબાલા બોલ્યાં, ‘ઉજાસજી, મૈં આપકે પાસ બૈઠુંગી ! બોલતે સમય તિવારીજી કે મુંહ સે જો વર્ષા હોતી હૈ, વહ મેરે સે સહી નહીં જાયેગી !’ હું હસવું ખાળતી અવળું ફરી ગઈ. એ બહેનજી અમારી સાથે બહુ ન ભળે. એમને અમે બધાં ઈમ્મેચ્યોર્ડ લાગીએ.

    ત્રણની પહેલી જ સીટમાં હું, હેમા અને પૂર્વા. મારી પાછળની સીટમાં ઉજાસ, કુસુમજી અને હિમાંશુ. સલિલ, રુચિ અને તરુણ નહોતાં આવ્યાં. તિવારીજી અને બીજાં બધાં બબ્બેની સીટમાં.

    થોડી વાર પછી મને લાગ્યું; મારા જમણા હાથને કશુંક અડ્યું. એક ક્ષણ થયું વૃંદા અહીં ક્યાંથી ? પાછળ ફરીને જોયું તો ઉજાસ મારી સીટ પર માથું ટેકવીને સૂવાની કોશિશ કરતો હતો. થોડી વાર થઈ. ફરી કશુંક અડ્યું. નક્કી ઉજાસ ! સીટની બાજુમાંથી... ઊભી થઈ સામેની સીટ પરથી ચાકોને ઉઠાડી એની જગ્યાએ બેસી ગઈ.

    પણ મને શું ખબર કે સ્પર્શ કરતાં ય નજર સો ગણી ખતરનાક હોઈ શકે ! એને તમે ટાળો પણ કેવી રીતે ? અને વળી જ્યારે તમને ઊંડે ઊંડે ય એ નાપસંદ ન હોય ત્યારે.... પરંતુ કોઈ જુએ તો ? એ દુષ્ટ બારી પર માથું ટેકવી મારી મથામણનો આનંદ લેતો હતો. પળભર તો થયું, વરસી પડું ધોધમાર, ભલે થઈ જાય એ હતપ્રભ ! થેંક ગોડ, રાજકોટ આવ્યું ને હું બચી ગઈ.....

    ચા-નાસ્તો કરીને ફરી જ્યારે બસમાં બેઠાં ત્યારે મેં સિફતથી કુસુમજીને એની સામે બેસાડી દીધા. અને હું એની પાછળ. મારી સામે ફરીને ધીરેથી કહે, ‘ઇસકી સજા તુમ્હે હોગી.’ મેં કહ્યું, ‘અત્યારે તમે તો ભોગવી લો !’

    સાંજે મંદિરની આરતીમાં બધાં ગયાં હતાં. હું પહેલાં દર્શન કરી આવી હતી. મને હંમેશાં લાગે કે આરતીના ઘોંઘાટ અને ભીડમાં તમે મને તમારી વંદના બંને ખોવાઈ જાય અને શિવનાં દ્વાર તો કાયમ ખુલ્લાં. ગમે ત્યારે જઈ શકાય.

    ઉજાસ તો આમે ય મંદિરનો વિરોધી. અમે બંને ચોકની પાળી પર, આથમતા સૂરજના અજવાળામાં સમુદ્રને જોતાં બેઠાં હતાં. ઉજાસના ચહેરા પર હજી ય મુસાફરીની રીસ હતી. એને મૂડમાં લાવવા મેં કહ્યું, ‘કુસુમજી ગૌર સૌંદર્યનો દર્શન લાભ મળ્યો ને ?’
  ‘ઉસે તુમ સુંદર કહેતી હો ?’
  ‘કેમ નથી.... ? ગોરો રંગ મોટી મોટી કજરારી આંખો –‘
  ‘બસ... બસ... મૂઝે ઉસકા નખશિખ વર્ણન નહીં સુનના. મીરાં, તુમ ભૂલ જાતી હો કિ દેહ કે અલાવા એક મનકા સૌંદર્ય ભી હોતા હૈ. હાલાંકિ સુંદર શરીર ભી આકૃષ્ટ કરતા હૈ, કિન્તુ ઉસકે પાર એક સૌંદર્ય હોતા હૈ, આત્મા કા, સંવેદનાકી સચ્ચાઈ કા, કિસી પર સબકુછ લુટાનેકી હિમ્મત કા, સૌહાર્દ કા. દેહ તો એક દ્વાર માત્ર હૈ....’
    હજુ પણ એના શબ્દો મારા કાનમાં ગુંજે છે. શું એટલે એ મારા તરફ આકર્ષાયો હશે !

    આરતીમાંથી બહાર આવ્યા પછી બધાંએ નક્કી કર્યું બીજા દિવસની રાત્રે સમુદ્રકિનારે કાવ્યગોષ્ઠિ કરવી.

    રાત્રે તો મુસાફરીથી થાકેલાં બધાં વહેલા સૂઈ ગયાં. પરંતુ મેં નક્કી કર્યું હતું કે વહેલી સવારે ઊઠીને સૂર્યોદય જોઇશ. જો કે સોમનાથના સમુદ્રકિનારે સનરાઈઝનો કોઈ ખાસ પોઈન્ટ નથી, છતાં ધીરે ધીરે જાગતો સમુદ્ર, એક બાજુ ધીરે ધીરે પથરાતો આછો ઉજાસ અને બીજી બાજુ ધીરેધીરે સંકેલાતો અંધકાર.

    સત્તરમીની સવારે પહેલી આરતીના ઘંટનાદથી જાગી ગઈ. હજુ સાડા પાંચ થતા હતા. રૂમમાં પૂર્વા, હેમા અને કુસુમજી સૂતાં હતાં. શું કરવું ? જવું તો હતું, છેવટે રૂમને બહારથી તાળું મારી પહોંચી ગઈ સમુદ્ર પાસે....

    ... જાણે મને બોલાવતો હતો સમુદ્ર. દોડીને એની લહેરની સફેદ ઝાલરને ઝીલી લેવા આતુર થઈ ઊઠ્યું શરીર. દેહનો એકેએક અણુ કોઈ ચરમ નિકટતા અનુભવવા ઉત્તેજિત થઈ ઊઠ્યો. ફ્રોઈડ પાણીને કામેચ્છાનું પ્રતીક કહે છે. કામનાના આવેગમાં દેહનો પ્રત્યેક અંશ એક સઘન સ્પર્શ અનુભવવા તલસી રહે. બે શરીરનાં પ્રગાઢતમ આલિંગનમાં પણ હવાની દખલગીરી તો રહેવાની જ ! વળી એક જ ક્ષણે સમગ્ર શરીર સમાનાન્તર અનુભવી ન શકે. ટુકડે ટુકડે જ એ પામી શકાય. દેહના કેટલાય રહસ્યમય પ્રદેશો વણજાણ્યા, વણસ્પર્શ્યા વણભોગવ્યા રહી જાય. નિકટતાની ચરમ પૂર્ણતા તો જળયોગમાં જ સંભવે. આછી લહેરનો મખમલી સ્પર્શ કે મોજાંનાં આક્રમણ, દેહના ખૂણે ખૂણે ફરી વળે જળની ભીનાશ. ડૂબકી મારતાં સઘન કેશરાશિનાં મૂળમાં ફૂંકી વળે, ગરમ ગરમ શ્વાસ આખ્ખું ય શરીર ઝણઝણી ઊઠે કોઈ સિતાર સમું, ઘેરાતી આંખો પર લદાઈ જાય પડઘાનો બોજ, ધીરે ધીરે મદમાં ડૂબતી કાયા, એક આંચકે આળસ મરડીને ઊભી થાય અને થનગની ઊઠે હણહણતી ભરતીને મહાત કરવા.... ત્યાં ચોંકી ઊઠી... વૃંદાનાં પગલાં ? જોયું તો મારી પાછળ ઊભેલો ઉજાસ. શું એણે મારી આ સ્વગતોક્તિ સાંભળી હશે ?
‘સમંદર સે ઇતની દૂર ક્યોં બૈઠી હો ?’
    ચુપચાપ એનો હાથ પકડી ચાલવા માંડી, એ જ્યાં લઈ જાય ત્યાં. થોડી વાર એણે મને નજીક ખેંચતાં કમર ફરતે હાથ વીંટાળીને કહ્યું : ‘તુમને ડી.એચ.લોરેન્સકા નામ સૂના હોગા, ઉસને સ્ત્રી-પુરુષ કી રતિક્રિયા કે લિયે સમુદ્રલય કી ઉપમા દી હૈ. મુઝે લગતા હૈ જલ ઔર સેક્સ દોનોં આદિમતત્વ હૈ. ઔર દોનો મનુષ્ય કે લિયે અનિવાર્ય.’ એ બોલ્યે જતો હતો અને મારી સમસ્ત ચેતના સ્પર્શમય બની ગઈ હતી. એટલામાં એક મોટું મોજું આવ્યું અને હું ઉજાસને વળગી પડી. કપડાં ભીંજાઈ ગયાં.

    ‘ક્યોં ભીગ ગઈ ન ?’ ઉજાસે પૂછ્યું. મેં એની સાથે આંખ મેળવતાં ઈશારાથી કહ્યું : ‘ના’. એ ઝૂકીને કંઈ કરવા જાય ત્યાં તો ચાકો બૂમો પાડતા ચાવી લેવા આવ્યો.

    રાત્રે કવિગોષ્ઠિમાં મજા આવી. પૂર્વાની રવીન્દ્રનાથનું ગીત ગાયું :
‘આજિ ઝડેર રાતે તોમાર અભિસાર
પરાણ સખા, બંધુ હે આમાર....’

    મને લાગે છે પ્રેમ પોતે જ એક ઝંઝાવાત છે, જીવિત માત્રને ધરમૂળથી બદલી નાખતો.

    આઠમના ચન્દ્રનાં અજવાળાંમાં સમુદ્રકિનારો, સામે બેઠેલો ઉજાસ અને ઉજાસની કવિતા ..... !
‘આઓ,
આમને-સામને બૈઠકર
મહાસૂસેં
અહેસાસોં કે અલાવોં કો
ઔર
સેંક લે
હમારી હથેલિયાં
પરસ્પર
રેખાયેં બદલકર.’
    પહેલીવાર અનુભવ્યું કે ઉજાસની આંખ મારા દેહ અને મનની આગના અક્ષર ઉકેલે છે. જ્યારે વૃંદાના સંબંધમાં.... અમે કદાચ ધુમાડાને જ આગ માની બેઠાં હતાં.....


0 comments


Leave comment