57 - અને મારાં... / ભાનુપ્રસાદ પંડ્યા
લઈને સંગાથે સહુ રમતનો લોક, પગમાં
છલાંગો ચાંપીને મૃગની, ખગની બોલી સ્ત્રવતાં
ઉડાનો આંકીને ફૂદડી ફરતાં, સ્વચ્છ નભના
ભરી લૈ વિસ્તારો લઘુક દ્રગ, નાતો નિભવતાં
પુરાણો પૃથ્વીની મખમલી ધૂળોનો, પરી તણાં
બધાં રિશ્તેદારો જઈફ મમ ગેહે ઊતરતાં –
ઉનાળુ છુટ્ટીના તરબતર ઉલ્લાસ સરખાં !
હવે મારી સોટી જડ નવ રહી, બે પગથકી
પલાણ્યે પંખાળો હય બની ગયો ! ને ગુમ થઈ
જડેલાં ચશ્માંમાં ટીખળ તબકે ! લેખણ તણા
થયાં લીટે લીટે ‘ચીતર’ નવલાં પોટલી છૂટી
પુરાણોથી સંચ્યાં રતન સમી વાતોની કીમતી !
અને મારાં એંશી પીગળી જઈને પાંચ જ રહ્યાં !
સૂકેલાં પર્ણો શું કૂંપળ થઈ પાછાં ઊગી ગયાં ?
0 comments
Leave comment