58 - ચહું રસ ન ઈક્ષુનો / ભાનુપ્રસાદ પંડ્યા


જરા ઝૂલત હીંચકે નજર સ્હેજ ઝીણી કરી
રહું નીરખી પૌત્રને સમીપ ચૂસતાં શેરડી !
તુરંત મુખ બોખલે સ્થવિર સર્પ શી કંડિયે
રહી સળવળી જરીક રસના થતી શાંત ત્યાં.
ભલી બુજરગી, નહીં, નહિ જ ઈક્ષુ તો આ ભવે
હવે રહી જ ચૂસવી દશહીન ડાચાં થકી !
સ્ફુરે સ્મરણ બાલ્યનાં હૃદયશલ્ય શા લાગતાં.
થતો અતીત ત્યાં છતો અનલ ભસ્મભારેલ શો.

તદા તનુજ જ્યેષ્ઠ ત્યાં તરત બ્હારથી આવીને
મને પ્રણમતો અને શિશુય શિર સૌ નામતાં.
વિચારું : ઘરમાં હું તો સકલ વ્યક્તિને વંદ્ય છું.
દ્રગે સરવનાં અહીં વડીલ છું – મહા ભવ્ય છું !
ચહું રસ ન ઈક્ષુનો, વડનું મૂળ હું ભીતરે
નિતાન્ત રસ માહરો કિસલયે હવે પીઉં છું !


0 comments


Leave comment