59 - કવણ અવ... / ભાનુપ્રસાદ પંડ્યા
પ્રજળી ગઈ જ્યાં આવી એવી સવાર ઊભાઊભ.
જલની છલનાના કાસારે તરે મૃગનું શબ
અતિ તરફડી વાંકીચૂંકી નદી રહી ઢૂંઢતી
સલિલ સહુ ક્યાં નાઠાં ? રાખે જરી શીશ વાયુ આ
ઊડતી સમડીની પાંખોમાં ! અવાક નિસર્ગના
વિકલ ચખથી અશ્રુબિન્દુ ખરે ત્યમ પંખી આ
તૃષિત ઢળતું... ન્યાળી રહેતો બપોર સકૌતુક.
તહીં વરસતી લૂની સામે રચ્યા ગઢ શું, શુક !
વસન ભીનું ચોપાસે વીંટ્યું દીસે તુજ પિંજરે,
વનવન ચીરી સ્વાદુ તેની ભરી તવ તાસક,
સરવર દીધું લાવી પાસે – છલોછલ વાટકી !
સતત ઝૂલવાને હિંડોળો, સુખાવહ યષ્ટિકા.
શું, અયિ સુભાગી ! ના કષ્ટો તને ઋતુનાં નડે.
કવણ અવ જે આસાયેશો તજી વગડે ચડે ?
0 comments
Leave comment