60 - શ્વાસો / ભાનુપ્રસાદ પંડ્યા
ફર ફર થતા ત્યારે શ્વાસો ફુદા સમ પંખુડી
ઉપર ફૂલની વાતો છાપી ફરે – સપનાં પઢે
તરવું તજી નિદ્રાનાં સ્ત્રોતે કિશોર સમાં ધસી !
રજની દિવસો રહેતાં મ્હેકી-ક્ષણે ક્ષણ ઝૂમતી.
ખળખળ થતા ત્યારે શ્વાસો લગોલગ સાગરી
ઊભરી કશી વેલા શા, નૌકા સમી તરી કામના
રહી, પરી મહીંથી બોલાવે ! જઉં ઝટ, શ્વાસ ત્યાં
વહવી સુખ દૈ એકાંતોની બધી હદ લોપતા !
રણઝણ થતા ત્યારે બંસી થકી સરી શ્વાસ સૌ
ઉર વીંધી જતા દોડાદોડી કરે, થઈને ફૂગા
ગવનમહીં પેઠા વાયુ શા, શકે ચડી આંધી ? શેં
શ્વસવું ? હરફે ના સૂઝે ને મૂંઝાઈ રહે મતિ !
અવ લથડી અંધાની લાઠી સમા સહુ શ્વાસ તે
ઠપ ઠપ અવાજે ફંફોસી રહ્યા કઈ દિશને ?
0 comments
Leave comment