62 - સજ્જતા / ભાનુપ્રસાદ પંડ્યા
તરુ ઉપરથી પીળું પીળું ખરું – નહિ પર્ણ, હું
સમય ટુકડો, લીલો નાતો બધોય પલ્ટી પીળો
ખરખરી રહ્યો, આંદોલાતી કળા મધુમાસની
સકલ દઈ સંકેલી પેલા હવે સહુ મર્મર –
ધ્વનિ પણ ગયા, છૂતાં થોડો સમીર ચડે તહીં
ખડખડ થતી ખાંસી-ફૂટી કંઈક રતૂમડી
ઉપર કૂંપળો હાસે, હેઠે દિશા વિણ દોહ્યલું
રઝળવું રહ્યું ? વેરાયેલો નર્યો કચરો બની ?
અધિક લીલું થાવાની ઝંખા તણો અતિ ભાર જે
અવ ખસી ગયો, સૂકી સૂકી ગમે હળવાશ આ
વળગણ મૂકી શાખાઓની ઘણા લઘુ નીડની,
ખગની; તરી હું ખાલી ઝૂલું બધે ધૂલિસાગરે !
ઉપર ધસતી આવી ઝંઝા ? ચલો, હું ય સજ્જ છું,
શરત કરું કે ધૂલિ અંકે ફરી લઈ આવવું !
0 comments
Leave comment